20 ફેબ્રુઆરી 2021:  વીતેલ એક  વર્ષમાં જ, આખા ભારતના સ્થળાંતરીત શ્રમિકોની કઠોર પરિસ્થિતિ ઉઘાડી પડી ગઈ છે અને આ શ્રમિકો અત્યારે પણ અત્યંત અનિશ્ચિતતા માં જીવી રહ્યાં છે.15 ફેબ્રુઆરી 2021ના રોજ મજૂર અધિકાર મંચ  સાથે જોડાયેલ  એક હજારથી વધુ મજૂરો અમદાવાદની કલેકટર કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા. કલેકટર સમક્ષ યોગ્ય રહેઠાણ માટે ની માગણી કરવા ગયેલા મજૂરોને પોલીસની બેફામ લાઠીઓનો સામનો કરવો પડ્યો. પોલીસે પ્રથમ, રેલી કાઢવા માટે પરવાનગી આપી ન હતી, શાંતિ પૂર્વક દેખાવ કરવા પહોંચેલ મજૂરો પર પોલીસ દ્વારા અત્યાચાર થયો એ સાથે સાથે ઘણા મજૂરોની અટકાયત કરવામાં આવી.

પોતાની રજૂઆત લઈને આવેલ મજૂરો, મોટે ભાગે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યના વતની છે કે જેઓ દલિત, આદિવાસી, વિચરતી વિમુક્ત જાતિ અને અન્ય પછાત વર્ગમાંથી આવતા કાયમી અને સ્થળાંતરીત મજૂરો છે. આ મજૂરો પોતના જીવન નિર્વાહ માટે અમદાવાદ ખાતે આવી મજૂર નાકાઓ પર મજૂરી શોધતાં હોય છે. મોટે ભાગે, તેમના સમગ્ર પરિવારોઓ સ્થળાંતરીત થઈ શહરમાં બાંધકામ સાઇટ પર મજૂરી કરતાં હોય છે. શહેરના વિકાસ પાછળ  બજેટમાં રૂપિયાની ખાસ્સી ફાળવણી કરવામાં આવે છે, પરંતુ સામાજિક સુરક્ષા તરફ ઓછો ભાર આપવામાં આવે છે. મોટા ભાગના મજૂરો શહેરના  વિકાસ માટે પોતાનું યોગદાન આપતા હોય છે, અમુક લોકો છૂટક મજૂરી કરતાં હોય છે અને અમુક લોકો નાની મોટી હાથ લારી ચલાવી જીવન નિર્વાહ કરતાં હોય છે અને અન્ય શહેરી લોકોની જરૂરીયાતો-સેવાઓ પૂરી પાડતાં હોય છે.  અનિયમિત અને અનિશ્ચિત  કામના કારણે તેમની આવક ઓછી હોય છે અને  એક પરિવાર માટે ઘરના ભાડાં  અને જીવન જરૂરિયાત વસ્તુઓની વ્યવસ્થા કરવાનું  પણ મુશ્કેલ બને છે.

મજૂર અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ અમદાવાદના ૪૦  અલગ અલગ વિસ્તારોમાં આવા લગભગ 2300 જેટલા પરિવારો વસેલાં છે. આ બધાં પરિવારો છૂટા છવાયેલા વસેલ છે, અમુક પરિવારો ખાનગી જગ્યા પર અને અમુક પરિવારો સરકારી ખાલી જગ્યા જેમકે રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્લોટ  ઉપર વર્ષોથી  વસવાટ કરી રહ્યા છે અને આજુ-બાજુના વિસ્તારોમાં મજૂરી કરી શહેરી વિસ્તારની જરૂરીયાતોપૂરી કરે છે.   ૧૦ વર્ષ કે તેથી  વધુ વર્ષોથી વસવાટ કર્યા બાદ પણ આ ઝુંપડપટ્ટીઓની કાયમી નોંધણી કરવામાં આવેલ નથી. રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તેઓના રહેઠાણ કાયમી ન હોવાના કારણે, મ્યુનિસિપાલિટી કોઈ પણ પ્રકારની મૂળભૂત સેવાઓ જેમ કે પાણી અને વીજળી પૂરી પાડવા માટે બંધાયેલી નથી. જેના કારણે આ લોકો પર રોગચાળો, અસુરક્ષા અને આકસ્માતનો ભય વધી જાય છે. આ બધા વિસ્તારોને વારંવાર તોડી નાખવામાં આવે છે. જેના કારણે આ બધાં પરિવારો પાસે રહેવાનો કોઈ વિકલ્પ રહેતો નથી.

શહેરમાં આવેલ રેનબસેરાઓમાં આદિવાસી પરિવારોને રહવા માટે પરવાનગી હોતી નથી. મોટે ભાગનાં સ્થળાંતરીત મજૂરો શહેરમાં પોતાના પરિવારોને લઈને આવતા હોય છે. સરકારી અધિકારીઓ સામે વારંવાર આ મુદ્દે રજૂઆતો કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૬-૨૦૧૮ના ગાળા દરમિયાન બાંધકામ મજૂરોને બળજબરીથી હટવામાં આવેલ તે સમયે રેલવે અધિકારીઓ સામે મજૂરોની માંગણીઓ સાથે વારંવાર રજૂઆત કરવામાં આવેલ. તાજેતરમાં વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી આમદવાદ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓ સાથે પત્ર વ્યહવાર કરવામાં આવેલ છે. અધિકારીઓ સામે આ બધાં  વિસ્તારોમાં વસવાટ કરતાં  સ્થળાંતરીત મજૂરોની ગણતરી, એમને   જરૂરી વ્યવસ્થાઓનો અંદાજ કરવો અને રેણબસેરામાં ઉપલબ્ધ સુવિધાઓ  અને આ વિસ્તારોમાં ઉપલબ્ધ સુવિધાઓ વચ્ચે તફાવત સમજવા વિવિધ રજૂઆતો કરવામાં આવેલ છે.  AMC દ્વારા ઘરો તોડી નાખવાના ઘણા બનાવો બન્યા છે, લૉકડાઉનથી પહેલાં જાન્યુઆરી ૨૦૨૦માં ઘરો તોડી નાખવામાં આવ્યાં જેને કારણે રહેવાસીઓની પરિસ્થિતિ લૉકડાઉનમાં વધુ જોખમમાં મુકાઇ ગઈ.

રહેઠાણ એ બંધારણીય અધિકાર છે, શહેરના વિકાસ અને એની જરૂરિયાત પૂરી કરતાં આ સ્થળાંતરીત મજૂરો કે જેઓ ઘર તૂટવાના ભયથી સતત ઘેરાયેલા હોય છે, એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સામે રાજ્ય આંખ આળા કાન કરી ન શકે. જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય આ બધાં મજૂરોના સમર્થનમાં છે અને મજૂર અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી નીચે મુજબની માંગણીઓનું સમર્થન કરે છે.

  1. 40૦થી વધુ ઝુંપડપટ્ટીઓની કાયમી સ્વરૂપે નોંધણી કરવી અને નિયત પ્રક્રિયા દ્વારા તે જાહેર કરવું.
  2. આ વસાહતોના રહેવાસીઓને પીવાના પાણી, સ્વચ્છતા, વીજળી અને પાક્કા રસ્તાઓ જેવી મૂળભૂત જાહેર સુવિધાઓ સાથે યોગ્ય રહેઠાણની સુવિધા આપવામાં આવે.
  3. પરિસ્થિતિમાં, કોઈપણ નિરાકરણ પહેલાં તમામ રહેવાસીઓનું વાજબી પુનર્વસન હાથ ધરવામાં આવે, અને પુનર્વસન માટેની પાત્રતા માટેની કટ ઓફ તારીખ 31 ડિસેમ્બર 2018 સુધી લંબાવેલ છે એ ધ્યાન પર લેવું .
  4. સ્થળાંતર મજૂરોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા , શહેરી ઘર વિહોણા (એસ.યુ.એચ) યોજના હેઠળ, પુનર્વસન માટે પાત્ર ન હોય તેવા લોકો માટે કૌટુંબિક આશ્રયસ્થાનો બાંધવામાં આવે .
  5. આવાસની જરૂરિયાતો અને વ્યવસ્થાના અભાવ અંગેનો અભ્યાસ કરવા માટે અને શહેરમાં સ્થળાંતરીત મજૂરોને યોગ્ય મકાનોની જોગવાઈ માટે AMC માળખું(વ્યવસ્થા)ની રચના કરવાની કામગીરી હાથ પર લે .

અમારો નિશ્ચય છે અને  સાથે અમે મક્કમપણે  તેના માટે ઊભાં છીએ કે જ્યાં મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવતા નથી, ત્યાં અહિંસક-બંધારણીય રસ્તે વિરોધ કરવા બદલ અને પોતાની માંગણીઓની રજૂઆત કરવાના અધિકાર નો  જવાબ પોલીસ દ્વારા હિંસાથી આપી શકાય નહીં. વિવિધ ઉચ્ચ અદાલતો અને સુપ્રીમ કોર્ટે બહુવિધ કિસ્સાઓમાં જણાવ્યું છે તેમ, આશ્રય આપવું એ રાજ્યની બંધારણીય ફરજ છે, જેના દ્વારા જીવનનો હક્ક સાર્થક બને છે, અને જ્યાં આ ન થાય ત્યાં નાગરિક સમાજ અને સંબંધિત નાગરિકો તરીકેની અમારી ફરજ બને છે કે આપણે રાજ્યની બેદરકારી ના ભોગ બનેલ છે તેઓને સમર્થન આપવું અને એમનો અવાજ અને માંગણીઓ સરકારી તંત્રો સુધી પહોંચે એવા પ્રયાસોને ટેકો આપવો.

 

NAPM India